જીવનની સાર્થકતા

જર્મન લેખક હર્મન હેસે “સિધ્ધાર્થ”ની વાર્તામાં સિધ્ધાર્થને એક સુખી ઘરનો યુવાન બતાવ્યો છે. તે ગૌતમ બુધ્ધનો ઉપદેશ સાંભળે છે. એક વાક્ય તેનાં મનમાં વસી જાય છેઃ દરેક માણસ પોતે જ પોતાનો પથદર્શક બની શકે. બીજાએ ચીંધેલો રાહ નકામો પણ બને. એટલે સિધ્ધાર્થ ભગવાં વસ્ત્રો છોડીને પોતાની મેળે જ જીવનને વ્યાપક બનાવીને – અનુભવોથી ટીંચાઇને જીવનનો અર્થ શોધવા નીકળે છે. એક રુપાળી સ્ત્રીનાં પ્રેમમાં પડે છે. રુપજીવિની તેને ધન કમાઇને લાવવાનું કહે છે. ધનને છોડી ચૂકેલો સિધ્ધાર્ રુપ ખાતર પાછો ધન કમાવામાં પડે છે ધન લઇને રુપજીવિની પાસે આવે છે ત્યારે પ્રેમિકાનું વર્તન બદલાઇ જાય છે અને અનુભવોથી ટીંચાઇને જીવનનો અર્થ શોધવા નીકળે છે. એક રુપાળી સ્ત્રીનાં પ્રેમમાં પડે છે. રુપજીવિની તેને ધન કમાઇને લાવવાનું કહે છે. ધનને છોડી ચૂકેલો સિધ્ધાર્થ ફરી પાછો ધન કમાવામાં પડે છે. ધન લઇને રુપજીવિની પાસે આવે છે ત્યારે પ્રેમિકાનું વર્તન બદલાઇ જાય છે અને સિધ્ધાર્થને ફરી પાછું જીવન વ્યર્થ લાગે છે. તેનો પુત્ર પણ તેને છોડી જાય છે. ફરી સિધ્ધાર્થ સાધુ બનીને જીવનની ઊથલપાથલ પર વિચાર કરતો એક નદીને કાંઠે આવે છે. ત્યાં હોડી ચલાવનારો મસ્તીથી ગીત ગાયને હોડી ચલાવતો હોય છે. સિધ્ધાર્થ પુછે છેઃ ‘દિવસમાં સતત ૨૦ વખત હોડીને અહીંથી તહીં લઇ જવામાં અને પાછી લાવવામાં કંટાળો નથી આવતો?’ હોડીવાળો કહે છે, ‘કંટાળો શેનો? દરેક ખેપમાં મને નદીનાં પ્રવાહમાંથી નવો અર્થ મળે છે.’ સિધ્ધાર્થને જીવનની રઝળપાટમાં જે ન મળ્યું તે હોડીવાળાનાં એક વાક્યમાંથી મળી ગયું. જ્યાં છીએ, જે વ્યવસાયમાં કે દેશમાં છીએ ત્યાં જ પળેપળમાં નવો અર્થ શોધીને જીવનની ફરજ પ્રેમથી બજાવીએ એ જ જીવનની સાર્થકતા છે.

 

– કાંતિ ભટ્ટ

 

Advertisements

બ્રાયન ! – ડૉ. આઈ. કે. વીજળીવાળા

શિયાળાનો એ અત્યંત ઠંડો દિવસ હતો. અમેરિકાના એક હાઈવે પર સાઈડપાર્કિંગમાં પોતાની વૈભવશાળી કાર ઊભી રાખીને એક વૃદ્ધ સ્ત્રી કોઈની મદદની રાહ જોતી હતી. ફૂલ સ્પીડમાં જતી ઢગલાબંધ ગાડીઓ સામે એણે હાથ હલાવી જોયો હતો, પરંતુ ઠંડી સાંજનો ઝાંખો પ્રકાશ અને અત્યંત ઝડપ તેમ જ વરસતા બરફના કારણે કોઈનું ધ્યાન એના પર નહોતું પડતું અને કદાચ કોઈકનું ધ્યાન પડ્યું હશે તો પણ કોઈ ઊભું નહોતું રહ્યું. એ અમીર માજીના ચહેરા પર ચિંતાની રેખાઓ સ્પષ્ટપણે ઊપસી આવી હતી.

એ માજી નિરાશ થઈને પોતાની કારમાં પાછાં બેસવા જતાં હતાં એ જ વખતે એક જૂની અને ખખડધજ કાર એમની કારની પાછળ આવીને ઊભી રહી ગઈ. એમાંથી સાવ લઘરવઘર લાગતો એક ગરીબ હબસી ડ્રાઈવર ઊતર્યો. પેલા પૈસાદાર માજીને બીક લાગી. કાળા માણસો ઘણી વખત આવી એકલી સ્ત્રીઓને લૂંટી લેતા હોય છે અને અમુક કિસ્સામાં મારી પણ નાખતા હોય છે એ વાતનો માજીને બરાબર ખ્યાલ હતો. એટલે એમને વધારે બીક લાગતી હતી. એ માણસ એમની પાસે આવ્યો. ભય અને ઠંડી બંનેની ભેગી અસરથી માજીના હાથપગ ધ્રૂજવા લાગ્યા. પેલો કાળો માણસ એ માજીનાં ડરને જાણી ગયો. અત્યંત નરમાશથી એ બોલ્યો, ‘મૅમ ! ગભરાશો નહીં. હું તમને મદદ કરવા માટે આવ્યો છું. તમને એકલાં અટૂલાં અહીં હાઈવે પર ઊભેલા જોયા એટલે હું સમજી ગયો હતો કે તમારી કારમાં કંઈક પ્રોબ્લેમ થયો લાગે છે. મારું નામ બ્રાયન છે. હું પૂછી શકું કે તમારી કારમાં શું તકલીફ ઊભી થઈ છે ?’

બ્રાયનના વિવેકી અવાજ અને શિષ્ટ વ્યવહારથી માજીની બીક થોડીક ઓછી થઈ. એમને એ સારો માણસ લાગ્યો. એમણે કહ્યું, ‘કંઈ વધારે પ્રોબ્લેમ નથી ભાઈ. ફક્ત ડાબી તરફનું આગળનું ટાયર બેસી ગયું છે અને હું એ વ્હીલ બદલી શકું તેમ નથી.’ બ્રાયને જોયું તો કારની ડાબી તરફનું આગળનું વ્હીલ બેસી ગયું હતું, પરંતુ એક વૃદ્ધ સ્ત્રી માટે તો એ પણ એક અઘરું કામ જ હતું. બ્રાયને એમની ડીકીમાંથી જૅક તેમજ પાના-પક્કડ કાઢ્યા. પછી માજીને કહ્યું, ‘માજી ! તમે એક કામ કરો. ગાડીમાં બેસી જાઓ. ત્યાં તમને ઠંડી ઓછી લાગશે.’ માજી ગાડીમાં બેસી ગયાં. બ્રાયને વ્હીલ બદલવાનું શરૂ કર્યું.

પેલા માજીની બીક હવે સાવ જતી રહી હતી. કોઈ અજાણ્યો માણસ પોતાને મદદ કરી રહ્યો હતો અને પોતે ગાડી બંધ કરીને બેઠાં હતાં એ એમને યોગ્ય ન લાગ્યું. એમણે બારીનો કાચ ઉતારીને બ્રાયન સાથે વાત શરૂ કરી, ‘ભાઈ ! હું તમારો આભાર કઈ રીતે માનું ? જો તમે ન ઊભા રહ્યા હોત તો આજે રાત્રે આવા નિર્જન હાઈવે પર હું શું કરત ? એકાદ કલાકમાં તો સાવ અંધારું પણ થઈ જશે.’
‘માજી ! મુશ્કેલીમાં ફસાયેલાને મદદ કરવાની આપણી ફરજ છે અને હું ફક્ત એટલું જ કરી રહ્યો છું જે મારે આ સમયે કરવું જોઈએ. તમે કઈ તરફ જઈ રહ્યાં છો ?’ વ્હીલ બદલતા બ્રાયને કહ્યું.
‘હું સેંટ લૂઈ જઈ રહી છું. ત્યાં જ રહું છું.’ માજીએ જવાબ આપ્યો. પછી પૂછ્યું : ‘ભાઈ બ્રાયન ! તમે કામ શું કરો છો ?’
કારના વ્હીલનો છેલ્લો બોલ્ટ ફીટ કરીને બ્રાયન ઊભો થયો. એની આંખમાં આંસુ આવી ગયાં. ડીકીમાં પંક્ચર થયેલું વ્હીલ અને જેક વગેરે મૂકતા એ બોલ્યો, ‘સાવ બેકાર છું ! છેલ્લા બે મહિનાથી મારી પાસે કોઈ કામ નથી.’ એટલું કહી એ પોતાની કાર તરફ જવા રવાના થયો.

અચાનક જ પેલા માજી પોતાની કારમાંથી ઊતરીને એની પાસે આવ્યાં પર્સમાંથી થોડાક ડૉલર્સ કાઢી એને આપવા લાગ્યા, પરંતુ બ્રાયને એ લેવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો. પોતાની ગાડીનો દરવાજો ખોલતા એણે એટલું કહ્યું કે કોઈ પણ દુ:ખી વ્યક્તિ દેખાય તો માજીએ એને મદદ કરવી. હા ! એ વખતે બ્રાયનને એ યાદ કરી લે તો પણ વાંધો નહીં ! એ પોતાની ગાડીમાં બેસી ગયો. માજીએ પોતાની ગાડી તરફ જતાં પૂછ્યું, ‘ભાઈ બ્રાયન ! આગળ નજીકમાં કોઈ રેસ્ટોરંટ હશે ખરું ? તમે અહીંના લાગો છો એટલે પૂછું છું.’
‘હા માજી ! અહીંથી થોડાક કિલોમીટર્સ આગળ જશો એટલે એક નાનકડું ટાઉન આવશે. ત્યાં હાઈવે પર એક રેસ્ટોરંટ છે. હું પણ એ જ ટાઉનમાં રહું છું. ચાલો, આવજો !’ બ્રાયને વિદાય લેતા કહ્યું. એનો અદ્દભુત વ્યવહાર જોઈને માજી આશ્ચર્યચકિત થઈ ગયા. થોડી વાર એમ જ પોતાની કારમાં બેઠાં રહ્યાં. પછી ધીમે ધીમે એમણે પણ પ્રયાણ કર્યું.

થોડાક કિલોમીટર્સ દૂર ગયા પછી રોડસાઈડમાં જ એક રેસ્ટોરંટ એમણે જોયું. એમણે ગાડી પાર્ક કરી અને અંદર ગયા. રેસ્ટોરંટ સાવ નાનકડું જ હતું અને એટલું બધું સારું પણ નહોતું. પરંતુ થોડીક પેટપૂજા માટે ચાલશે એવું વિચારી એમણે પોતાની જગ્યા લીધી. આમેય આટલી મોડી સાંજે અને એ ઉંમરે સારા રેસ્ટોરંટની શોધમાં ભટકવાનું એમને યોગ્ય ન લાગ્યું.
‘હેલ્લો મૅમ ! ગુડ ઈવનિંગ ! હું તમારી શું સેવા કરી શકું ? શું લેવાનું પસંદ કરશો ?’ એક પ્રેમાળ અવાજે એમને વિચારોમાંથી બહાર લાવી દીધા. માજીએ જોયું તો એક વેઈટ્રેસ એમનો ઑર્ડર લેવા માટે ઊભી હતી. એ થાકેલી લાગતી હતી, પરંતુ પ્રેમાળ હાસ્ય સાથે પૂછી રહી હતી. માજીના ભીના વાળ લૂછવા માટે એણે નેપ્કીન આપ્યો. પાણી મૂક્યું. માજી જોઈ રહ્યાં. એ વેઈટ્રેસને પૂરા મહિના જતા હતા. પ્રેગ્નન્સીના છેલ્લા મહિનાઓમાં પણ એ કામ કરી રહી હતી. એ પણ આવા ફાલતું રેસ્ટોરંટનું થકવી નાખતું કામ એને કરવું પડતું. માજીને થયું કે એ સ્ત્રીની આર્થિક હાલત કેટલી ખરાબ હશે કે આવા છેલ્લા દિવસોમાં પણ એ આવું દોડાદોડી અને શ્રમવાળું કામ તે કરી રહી હતી. આ બધું વિચારતા એમણે પોતાનો ઑર્ડર નોંધાવ્યો. થોડી વારમાં એમણે મંગાવેલ વાનગી પેલી વેઈટ્રેસ મૂકી ગઈ.

જમવાનું પતાવીને માજીએ બિલ મગાવ્યું. બિલ ફક્ત થોડા ડૉલર્સ જ થયું હતું છતાં માજીએ 100 ડૉલરની નોટ મૂકી. વેઈટ્રેસ છુટ્ટા પૈસા લેવા ગઈ. એટલી વારમાં જ હળવેથી એ માજી ત્યાંથી રવાના થઈ ગયાં. વેઈટ્રેસ છુટ્ટા લઈને પાછી આવી ત્યારે માજી ત્યાં નહોતાં. પ્લૅટ પાસે બીજી એક 100 ડૉલરની નોટ પડી હતી. બાજુમાં પડેલા પેપર નેપ્કીન પર લખેલું હતું કે, ‘ડિયર ! આ બધા જ પૈસા તારી ટીપના છે. તારે મને કંઈ જ પાછું આપવાનું રહેતું નથી. હું પણ થોડાક કલાકો પહેલા મુશ્કેલીમાં હતી ત્યારે કોઈકે મને નિ:સ્વાર્થ મદદ કરી હતી. એ વ્યક્તિના કહેવા મુજબ હું તને મદદ કરી રહી છું. આપણે બધાએ બીજાને મદદરૂપ થવાની આ ભાવનાને અને નિ:સ્વાર્થ પ્રેમની આ સરવાણીને જીવંત અને વહેતી રાખવી જોઈએ !’ વેઈટ્રેસની આંખમાં આંસુ આવી ગયાં. પંદર દિવસ પછી જ એની ડિલિવરી થવાની હતી. આવનાર બાળક માટે જરૂરી ચીજવસ્તુઓ, કપડાં વગેરે લેવા માટે જાણે ભગવાને જ મદદ મોકલી હોય એવું એને લાગ્યું.

સાંજનું થકવી નાખતું કામ પતાવી, બધા ટેબલ સાફ કરી ઘરે જતી વખતે એ વેઈટ્રેસને સતત એ જ વિચાર આવતો હતો કે પેલા માજીને કઈ રીતે અંદાજ આવી ગયો હશે કે પોતે ખૂબ જ આર્થિક મુશ્કેલીમાં છે ? આમ તો એને આખી ઘટના એક ચમત્કાર જેવી જ લાગતી હતી. ઘરે પહોંચી આ બધા વિચારોમાં જ એણે પથારીમાં લંબાવ્યું. પોતાના પતિના મોં પર પણ અત્યંત ચિંતાઓ લીંપાયેલ જોઈને એણે એના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, ‘બધું જ ઠીક થઈ જશે. તું જરાય ચિંતા કરતો નહીં. ભગવાને આપણાં માટે પૈસાની વ્યવસ્થા કરી દીધી છે, બ્રાયન !’

બ્રાયન આશ્ચર્ય અને રાહતભરી નજરે પોતાની પત્ની સામે જોઈ રહ્યો !

 

ઝિંગ અને છોડનું બીજ ! – ડૉ. આઈ. કે. વીજળીવાળા

ઘણાં બધાં વરસો પહેલાંની આ વાત છે. પૂર્વ એશિયાના કોઈક દેશમાં એક સમ્રાટ રાજ્ય કરતો હતો. જ્યારે એ ઘરડો થવા આવ્યો ત્યારે એને થયું કે હવે નવો રાજા પસંદ કરવાનો સમય આવી પહોંચ્યો છે. એની ઈચ્છા હતી કે એવો રાજા પસંદ કરવો કે જે સામ્રાજ્યને તો બરાબર સાચવી જ શકે, સાથોસાથ લોકોનું પણ બરાબર ધ્યાન રાખે. એને પોતાના રાજકુમારો કે સગાંવહાલાંમાં કોઈમાં એવાં લક્ષણો ન દેખાયાં, એટલે એણે રાજ્યના બધા જ નવયુવાનોને એક ખાસ દિવસે સભામાં ઉપસ્થિત રહેવા માટે ઢંઢેરો પીટાવ્યો.

એ દિવસ આવી પહોંચ્યો. રાજમહેલના મેદાનમાં આખા રાજ્યના યુવાનોની ખાસ્સી ભીડ એકઠી થઈ હતી. રાજાના ખુદના રાજકુમારો પણ નિરાશ વદને હાજર હતા. સમય થયો એટલે રાજા આવ્યો. ભીડને સંબોધીને એણે કહ્યું, ‘હવે તમારામાંથી જ એક નવો રાજા પસંદ કરવાનો સમય આવી ગયો છે, પરંતુ એ માટે તમારે સૌએ એક નાનકડી પરીક્ષા પસાર કરવાની છે. અહીં ઉપસ્થિત દરેક વ્યક્તિને એક બીજ આપવામાં આવશે. એ બીજને તમારે સૌએ ઘરે જઈને કૂંડામાં વાવી દેવાનું છે અને એમાંથી જે છોડ ઊગે તેની આવતા એક વરસ સુધી કાળજી લેવાની છે. એક વરસ પછી આજના જ દિવસે પોતપોતાના છોડનાં કૂંડાં સાથે અહીં હાજર થવાનું છે. છોડની તમે કરેલી દેખભાળ તેમ જ એની તમે લીધેલી કાળજી પરથી હું એ નક્કી કરીશ કે તમારામાંથી કોણ રાજ્યની બરાબર કાળજી રાખી શકશે અને એ બાબતમાં જે વ્યક્તિ મને સૌથી વધારે યોગ્ય લાગશે એ જ તમારો નવો રાજા બનશે !’

એ પછી બધા યુવાનોને એક એક બીજ આપવામાં આવ્યું. એ દિવસે ઝિંગ નામનો એક યુવાન પણ ફરતો ફરતો ત્યાં આવી પહોંચેલો. બધાની જોડાજોડ એને પણ એક બીજ આપવામાં આવ્યું. ઝિંગે ઘરે જઈને પોતાની માને બધી વાત કરી. એની માતાએ એક કૂંડામાં એને માટી ભરી આપી. મા-દીકરાએ એ કૂંડામાં પેલું બીજ વાવી દીધું. એ પછી બંને જણ કૂંડાની બરાબર કાળજી લેવા માંડ્યાં. નિયમિતપણે પાણી પીવડાવી એ લોકો બીજમાંથી કોંટો ફૂટવાની રાહ જોવા માંડ્યા. એક અઠવાડિયું, બે અઠવાડિયાં એમ કરતા કરતા પાંચેક અઠવાડિયાં પસાર થઈ ગયાં. આજુબાજુના અને એ જ ગામના બીજા યુવાનો પોતપોતાના કૂંડામાં ઊછરી રહેલા છોડ અંગે વાતો કરવા માંડ્યા. ઝિંગ વારંવાર પોતાનું કૂંડું જોઈ લેતો, પરંતુ એમાં કંઈ પણ ઊગેલું નહીં જોતાં નિરાશ થઈ જતો. છતાં ધીરજપૂર્વક એ પાણી પીવડાવ્યા કરતો.

એમ ને એમ થોડા મહિના પસાર થઈ ગયા. હવે તો કોનો છોડ કેટલા ફૂટનો થયો, ફલાણા ગામના યુવાનના કૂંડામાં તો બે ફૂટનો છોડ થઈ ગયો. ફલાણાના છોડનાં પાંદડાં ખૂબ જ ઘાટાં લીલાં રંગનાં થયાં છે વગેરે વગેરે વાતો ગામમાં થયા કરતી, પરંતુ ઝિંગના કૂંડામાં વાવેલું બીજ છોડ બનવાનું તો બાજુમાં રહ્યું, એક નાનકડો કોંટો પણ નહોતું કાઢતું ! તો પણ ઝિંગ પૂરતી લગનથી એના કૂંડામાં પાણી સિંચ્યા કરતો.

વરસ પૂરું થયું. રાજાના મહેલમાં બધાને પોતપોતાના છોડ સાથે હાજર થવાનું ફરમાન બહાર પડી ગયું. રાજ્યનો દરેક યુવાન કાળજીપૂર્વક પોતાનાં કૂંડા અને છોડ સાથે મહેલના મેદાનમાં પહોંચી ગયો. પોતાનું ખાલી કૂંડું લઈને જવાની ઝિંગની જરા પણ ઈચ્છા નહોતી, પરંતુ એની માતાએ પરાણે એને ધકેલ્યો. એણે કહ્યું કે, ‘બેટા ! છોડ ન ઊગ્યો તો કાંઈ નહીં, તેં કાળજીપૂર્વક એને વાવ્યો તો છે ને ? આખું વરસ એને ધીરજપૂર્વક પાણી તો પીવડાવ્યું જ છે ને ? તો એ ઈમાનદારીપૂર્વક કરેલા પ્રયત્ન માટે પણ જવું જ જોઈએ.’ માતાના આગ્રહને વશ થઈને ઝિંગ રાજમહેલના મેદાનમાં પહોંચ્યો. ત્યાંનું દશ્ય જોઈને એ દંગ રહી ગયો. બાકીના બધા યુવાનોના છોડવાઓને કારણે એ મેદાનમાં જાણે નાનકડું જંગલ ઊભું થઈ ગયું હોય તેવું લાગતું હતું. એ જોઈને ઝિંગને મનોમન બીક લાગી, કારણ કે આખા જ મેદાનમાં એનું એકનું કૂંડું જ સાવ ખાલી હતું. ધીમા પગલે એ પાછો હટવા માંડ્યો. મેદાનના છેડે પહોંચીને ત્યાંથી ગુપચુપ ઘરે ભાગી જવાનો એનો વિચાર હતો, પરંતુ એ મેદાનને છેવાડે પહોંચ્યો એ વખતે જ રાજા ત્યાં આવી પહોંચ્યો. એના કારણે ઝિંગ ભાગી ન શક્યો. એને ત્યાં જ અટકી જવું પડ્યું. ધડકતા હૃદયે એ સૌથી છેલ્લે છુપાઈને ઊભો રહી ગયો.

રાજાએ ધ્યાનથી દરેકના છોડને જોવાનું શરૂ કર્યું. રાજા છેલ્લે પહોંચ્યો. ઝિંગની ઈચ્છા નહોતી કે પોતાનું ખાલી કૂંડું રાજાની નજરે પડે. એણે પોતાનું કૂંડું સંતાડવાની કોશિશ કરી, પરંતુ રાજાનું ધ્યાન એના પર પડી ગયું. એણે ઝિંગનું કૂંડું ખાલી જોઈ એણે બરાબર પાણી પીવડાવ્યું હતું કે નહીં એવું પૂછ્યું. ઝિંગે બીતાં બીતાં હા પાડી. રાજાએ પાછા ફરતા સૈનિકોને આદેશ આપ્યો કે ઝિંગને આગળ મંચ પર લાવવામાં આવે. ઝિંગના મોતિયા મરી ગયા. છોડ ઉગાડવાની નિષ્ફળતાની હવે સજા મળશે એવો એને ધ્રાસ્કો પડ્યો, પરંતુ આ તો રાજાનું ફરમાન હતું એટલે પાલન કર્યા વિના પણ છૂટકો નહોતો. ચૂપચાપ, નીચી મૂંડીએ ઝિંગ બધાની આગળ મંચ પર પહોંચ્યો. રાજાએ એનું નામ પૂછ્યું. ઝિંગે પોતાનું નામ બતાવ્યું. એનું ખાલી કૂંડું જોઈને બધા હસતા હતા. રાજાએ બધાને શાંત રહેવા ઈશારો કર્યો. બધા શાંત થયા. એ જ વખતે છડીદારે છડી પોકારી, ‘બધા હોશિયાર ! તમારા નવા રાજા ઝિંગનું સ્વાગત કરવા તૈયાર થઈ જાઓ !’
બધાને આંચકો લાગ્યો, અરે ! ખુદ ઝિંગને પણ અત્યંત નવાઈ લાગી. સભામાં ચણભણ થવા લાગી કે, ‘એનું કૂંડું તો સાવ ખાલી છે !’, ‘મારો છોડ તો સાડાચાર ફૂટનો છે, સૌથી ઊંચો !’, ‘મારો છોડ ચાર ફૂટનો છે, પરંતુ એનાં પાંદડાં તો જુઓ, એટલો ઘાટો લીલો રંગ છે કોઈના પાંદડાનો ?’ વગેરે, વગેરે !

રાજા સમજી ગયો. એણે બધાને શાંત રહેવાનો ઈશારો કરી કહ્યું : ‘આજથી બરાબર એક વરસ પહેલાં મેં તમને બધાને એક એક બીજ આપ્યું હતું. તમે સૌ એને વાવી, બરાબર કાળજી લઈ એક વરસ પછી આવજો એવું પણ કહ્યું હતું, પરંતુ રાજ્ય તરફથી આપવામાં આવેલાં એ બધાં જ બીજ શેકેલાં હતાં. શેકેલ બીજ ભલા કઈ રીતે ઊગી શકે ? તમારા બધાનાં કૂંડામાં તો મોટા ચાર ચાર ફૂટના છોડ બની ગયા છે ! ઝિંગ એક જ એવો પ્રામાણિક યુવાન છે જેણે ખાલી કૂંડું અહીં સુધી લાવવાની હિંમત દેખાડી છે. બાકીના તમે સૌએ રાજ્યના આપેલા બીજમાંથી થોડા દિવસમાં છોડ ન ઊગ્યો એટલે એવું જ બીજ ઘરમાંથી લઈને વાવી દીધું છે. ઝિંગ એક જ એવો યુવાન છે જે રાજ્યનું બીજ જેવું હતું એવું જ સાચવીને લાવ્યો છે. એની આ પ્રામાણિકતા અને હિંમત આપણા રાજ્યને ઘણી સમૃદ્ધિ અપાવશે. માટે તમે સૌ હવે ચૂપ થઈ જાઓ અને નમન કરો તમારા નવા સમ્રાટને !’

હાજર રહેલા દરેકને એમ કર્યા વગર હવે છૂટકો પણ નહોતો જ ! બધા એનું અભિવાદન કરતા નમીને ઊભા રહ્યા !